રાજકોટ :મૂળ કેરળના પેરંભાની વતની અને રાજકોટ રેલવે ડિવિઝનમાં ટિકિટ ચેકર તરીકે ફરજ બજાવતી 28 વર્ષીય એથલિટ નીના વર્કલે એશિયન ગેમ્સ 2018માં મહિલાઓની લાંબી કૂદમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. ઇંડોનેશિયાની રાજધાની જકાર્તામાં ચાલી રહેલી 18મી એશિયન ગેમ્સમાં નીનાએ મહિલાઓની લાંબી કૂદ સ્પર્ધામાં 6.51 મીટરની છલાંગ લગાવી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. નીનાની આ સફળતાને પગલે રાજકોટ સહિત આખા ગુજરાતમાં આનંદની લહેર ફેલાઈ ગઈ છે.
17 ફેબ્રુઆરી, 2012માં તેની રાજકોટ રેલવે મંડળમાં નિયુક્તી થઇ હતી. હાલ તે રાજકોટ રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકર તરીકેની ફરજ બજાવે છે. નીના વર્કલ પહેલેથી જ એથલિટ છે. 2017માં એશિયન એથલેટિક ચેમ્પિયનશીપમાં તેણે લાંબી કૂદ સ્પર્ધામાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. નીના છેલ્લા બે મહિના પોતાના પતિ પિન્ટો મેથ્યુ સાથે તાલીમ લઇ રહી હતી.
નીનાએ સોમવારે તેની રમતની શાનદાર શરૂઆત કરી હતી. તેણે પ્રથમ પ્રયાસમાં 6.41મીટર, બીજા અને ત્રીજા પ્રયાસમાં અનુક્રમે 6.40 અને 6.50 મીટરની કૂદ લગાવી હતી. પાંચમા પ્રયાસમાં તેણે 6.51 મીટરની કૂદ લગાવી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધામાં વિયેતનામની થાઓ થુ બુઈએ 6.55 મીટર સાથે ગોલ્ડ, જયારે ચીનની શીઓંલિંગ શૂ એ 6.50 મીટર અંતર લાંઘીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે